વસંત ગજેરાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની તપાસ તો પૂરી થઈ ગઈ છે. પરંતુ તેને ત્યાંથી કબજે કરવામાં આવેલા દસ્તાવેજની ઊલટતપાસ કરવામાં આવનાર છે. તેમાં તેની પાસેથી ઘર, દુકાન કે ઓફિસ ખરીદનારાઓએ પોતાની આવકના સ્ત્રોત બતાવવા માટે આગામી દિવસોમાં નોટિસ મોકલવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે, કારણ કે કબજે કરાયેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરી પણ મળી આવી છે તેમાં ઘર, દુકાન અને ઓફિસનો સોદો કરાવનારાઓના નામ સહિતની વિગતો પણ કબજે કરવામાં આવી છે.


કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે

આઇટી અધિકારીઓએ કબજે કરેલા દસ્તાવેજી પુરાવાના આધારે હવે કરદાતાઓના રિટર્નની ચકાસણી કરશે. તેમાં કરદાતાએ જે પણ ખરીદી કરી છે તેની વિગતો આઈટી રિટર્નમાં દર્શાવી છે કે નહીં તે તપાસ કરવામાં આવશે. જો તે દર્શાવવામાં આવી નહીં હોય તો તેની વિગતો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત આઈટી અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે. તેમાં માર્કેટ પ્રમાણે દલાલના નામ અને સોદાની રકમ સહિતના પણ પુરાવા મળ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી દલાલોની સાથે સાથે ખરીદનારાઓ પણ હવે ભેરવાય તેમ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અધિકારીઓએ કર્મચારીઓના નિવેદન પણ એક પછી એક લીધા છે. સાથે સાથે કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.

કેટલીક વોટ્સએપ ચેટ મળી આવી છે

આ તમામ બાબતોની આગામી દિવસોમાં તપાસ કરીને વધુમાં વધુ ટેક્સ ચોરી પકડી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીનમાં કેટલા રુપિયા ચેકથી ચુકવવામાં આવ્યા અને બાકીના નાણાં કેવી રીતે ચુકવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવનાર છે. જેથી ટેક્સ ચોરી કરવા માટે કરવામાં આવેલા તમામ ગતકડાંનો ભેદ આઇટી અધિકારીઓ ઉકેલવા હાલ તો લાગી ગયા છે.

મુન્ના ઓલપાડના રાજકારણીઓ સાથેના સંબંધને કારણે મામલો દબાવી દેવા પ્રયાસ

મુન્ના ઓલપાડને ત્યાં પાડવામાં આવેલા આઇટી દરોડામાં એવું કહેવાય છે કે તેના રાજકારણીઓ સાથે સારા સંબંધ હોવાના કારણે ગણતરીના કલાકોમાં જ તપાસ પૂરી કરી દેવામાં આવી હતી. જ્યારે જમીનના બદલે હવાલા કાંડના તાર મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, કારણ કે જમીનના દસ્તાવેજની ખણખોદ કરવામાં આવે તો કેટલાય રાજકારણીઓની સાથે કેટલાક બિલ્ડરના પણ નામ ખૂલે તેમ છે. તેના કારણે મામલો ઝડપથી આટોપી લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ શહેરમાં વેગ પકડયો છે.


આ પણ વાંચો : Ahmedabad News : સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા, કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી : HC


  • Follow us on: