સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ 49, 50 અને 51 માં મુકાયેલા રિઝર્વેશનને કારણે અંદાજે 1 લાખથી વધુ લોકોના ઘર પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે કતારગામ દરવાજાથી લઈને પાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા, જેમના ચહેરા પર પોતાના આજીવનની કમાણીથી બનાવેલા ઘર ગુમાવવાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.


તંત્ર સામે આક્રોશ

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારોમાં રિઝર્વેશન લાદીને લોકોને વિસ્થાપિત કરવાની નીતિ સામે હવે 'આરપારની લડાઈ' શરૂ કરવામાં આવી છે. મહારેલી દરમિયાન પાલિકા કચેરી પાસે લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા રિઝર્વેશન હટાવવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિક લડત સમિતિ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી મારતા અમદાવાદ-વડોદરા માર્ગ પર ટ્રાફિક જામ

  • Follow us on: