સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજ બહારના મુખ્ય રોડ પર એક મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હરકતમાં આવેલી અલથાણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં કાર ચાલક જય દાવરાની અટકાયત કરી છે. તેની મોંઘી સ્પોર્ટ્સ કાર પણ પોલીસે કબ્જે કરી છે.
સ્પોર્ટ્સ કારથી યુવકે બેફામ સ્ટંટ કર્યા હતા
આરોપીએ જાહેર માર્ગ પર કારને બેફામ હંકારીને અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા, જે બદલ તેની સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર ધરપકડ જ નહીં, પરંતુ પોલીસે આ મામલે કડક દાખલો બેસાડવા માટે આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા માટેનો રિપોર્ટ RTOને સોંપવાની તૈયારી કરી છે. સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરના રસ્તાઓ સ્ટંટ કરવા માટે નથી. જો કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી જોખમી ડ્રાઇવિંગ કરશે, તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.













