સુરતના સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 10 વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘરની નજીક આવેલી કિરાણાની દુકાને સામાન લેવા માટે ગઈ હતી, ત્યારે દુકાનદારની દાનત બગડી હતી. આરોપીએ બાળકીને સામાન આપવાના બહાને દુકાનની અંદર બોલાવી તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર આપવીતી પરિવારને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.


પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

બાળકી સાથે થયેલી આ હરકત બાદ પરિવારે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા સમજી તુરંત જ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઓપરેશન હાથ ધરી આ શર્મજનક કૃત્ય કરનાર આરોપી પ્રભુલાલ માલીને તેના રહેઠાણ પરથી દબોચી લીધો છે. માસૂમ બાળકી સાથેની આ છેડતીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી

સચિન જીઆઈડીસી પોલીસે આરોપી પ્રભુલાલ માલીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ બાળકી સાથે આવી હરકત કરી છે કે કેમ. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બાળકોની સુરક્ષા અને વિકૃત માનસ ધરાવતા લોકો સામે સતર્કતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: