સુરતમાં ઇમિગ્રેશન દરમિયાન એક વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આરોપી તરીકે ભાવેશ ધીરૂભાઈ બોરડનું નામ સામે આવ્યું છે. માહિતી મુજબ ભાવેશે પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કર્યો હતો. વર્ષ 2019માં બનાવવામાં આવેલ આ નકલી પાસપોર્ટના આધારે તેણે અનેક વખત વિદેશ યાત્રા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઘટના
ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બનાવટી પાસપોર્ટ જપ્ત કર્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ નકલી પાસપોર્ટ ક્યાંથી બનાવાયો હતો અને તેમાં કોની સંડોવણી છે. બનાવટી દસ્તાવેજ બનાવનાર ગેંગ અથવા એજન્ટ સાથે કોઈ જોડાણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના મતે, આ બનાવ માત્ર વ્યક્તિગત નથી પરંતુ પાછળ ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે.













