ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાને વિકાસની બે મહત્ત્વપૂર્ણ ભેટ આપી છે. ખોડાંબા ગામે આશરે રૂપિયા 2 કરોડના ખર્ચે નવનિર્મિત દીપડાઓ માટેનું અત્યાધુનિક રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
દીપડાઓને મળશે આધુનિક સંભાળ
સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા દીપડા રેસ્ક્યુ સેન્ટરના નિર્માણથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક નવું પગલું ભરાયું છે. તાપી અને સુરત જિલ્લામાં જંગલ વિસ્તારની નજીક માનવ વસાહતોમાં ઘૂસી આવતા અથવા ઇજાગ્રસ્ત થતા દીપડાઓને હવે તાત્કાલિક સારવાર અને પુનર્વસન મળી શકશે. આ સેન્ટર જંગલમાંથી માનવ વસાહતમાં ભૂલા પડેલા દીપડાઓને સુરક્ષિત રીતે પકડીને તેમનો તબીબી ઇલાજ કરશે, જેથી માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડી શકાય.













