સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે એક ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આહિર ચોક પાસે આવેલા અંબિકા ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
ફર્નિચરનો જથ્થો હોવાથી આગ પ્રસરી
ઘટનાની મળતી માહિતી અનુસાર, દેવધ પોલીસ સ્ટેશન નજીક આવેલા આ ગોડાઉનમાં લાકડા અને ફર્નિચરનો ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહિત હતો. લાકડું જ્વલનશીલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કારણે લાખો રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
ફાયર વિભાગનો કાફલો કાર્યરત
આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 10 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને વોટર ટેન્કરો બોલાવવામાં આવ્યા છે. હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જોકે, ફર્નિચરનો જથ્થો વધુ હોવાથી આગ પર નિયંત્રણ મેળવવું પડકારજનક બની રહ્યું છે.
સુરક્ષાના પગલાં
આગના સ્થળે લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં આ આગ લાગવાની ચોથી ઘટના છે.
આ પણ વાંચો - Surat News: પુણા વિસ્તારમાં મકાનમાં લાગી આગ, એક અઠવાડિયામાં આગની ત્રીજી ઘટના