સુરતના રાજસ્થાની સમાજના અત્યંત લોકપ્રિય અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકને કારણે દુઃખદ નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સુરતના કાપડ ઉદ્યોગ અને રાજસ્થાની સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. વિક્રમસિંહ માત્ર એક સફળ વ્યવસાયી જ નહીં, પરંતુ એક સક્રિય સમાજસેવક પણ હતા. તેમણે વર્ષો સુધી અનેક સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી અને સમાજને એક તાંતણે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સમગ્ર રાજસ્થાની સમાજ અને કાપડ ઉદ્યોગમાં શોક
વિક્રમસિંહ શેખાવતના નિધનના સમાચાર મળતા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલ ખાતે શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સી.આર.પાટીલે પરિવારના સભ્યોને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, વિક્રમસિંહનું નિધન એ માત્ર પરિવાર કે સમાજ માટે જ નહીં, પરંતુ સુરત શહેર માટે પણ એક મોટી ખોટ છે.













