સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી ખાદ્ય સામગ્રીના વેપાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભારે તવાઈ બોલાવવામાં આવી છે. SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન કરીને ઉધના અને પૂણા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર અને માવાનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેણે શહેરીજનોમાં ચિંતા જગાવી છે.
80 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, બજારમાં ભેળસેળયુક્ત પનીર અને માવાની સપ્લાય થઈ રહી છે. આ બાતમીના આધારે, સૌપ્રથમ ઉધના વિસ્તારમાં આવેલા શ્રીજી પ્રોવિઝન સ્ટોર ખાતે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે સ્ટોરમાંથી આશરે 80 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, પૂણા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટીમાં પણ SOGની ટીમે તપાસ હાથ ધરી હતી, જ્યાંથી મીઠાઈઓ બનાવવામાં વપરાતો 168 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો હતો. એકંદરે, 248 કિલો ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.













