સુરતના માંડવીમાં તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટીંગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી હતી. આ ટાંકીમાંથી લાખો લીટર પાણી વહી જતાં ગામમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લીધા છે. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે.
નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી પડવા મુદ્દે નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સીના ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પણ નોટીસ આપવામાં આવી છે. ઘટના સ્થળેથી અધિકારીઓની હાજરીમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે ખાતાકિય તપાસ અને પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.













