સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં છેલ્લા 20 વર્ષથી બસ સ્ટેશન સામે પાઉંભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા મૂળ રાજસ્થાનના વેપારી દંપતી પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. મળતી વિગતો મુજબ આ શખ્સો છેલ્લા ચાર વર્ષથી વેપારી પાસેથી ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણી કરતા હતા. ગત રોજ જ્યારે વેપારીએ હપ્તો આપવાની મનાઈ કરી, ત્યારે આ અસામાજિક તત્વોએ વેપારીના ઘરે પહોંચી આતંક મચાવ્યો હતો.
લોખંડના પાઇપ અને ધારીયા વડે હુમલો
ઘટનાની વિગતો મુજબ ચાર શખ્સો પાઉંભાજીના વેપારી મદનલાલ પટેલના રહેણાંક મકાને પહોંચ્યા હતા અને હપ્તાના રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયા અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મદનલાલ અને તેમના પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર વેપારીના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં શાંતિથી વેપાર કરે છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ તત્વો દ્વારા હપ્તા માટે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા.













