સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ માટે જૂની સાયકલો, મોપેડ કે અન્ય વાહનોના દુરુપયોગને ડામવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા જાહેરનામા અનુસાર, જિલ્લામાં નોન-રજિસ્ટર્ડ સાયકલો, મોપેડ કે અન્ય વાહનોનું વેચાણ કરનાર, તેમજ રજિસ્ટર્ડ હોય કે ન હોય તેવા જૂના વાહનોની લે-વેચ કરનાર અને વાહનો ભાડે આપનાર તમામ વેપારીઓ માટે હવે કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત બન્યું છે.
ફરજિયાત રજિસ્ટર નિભાવણી અને દસ્તાવેજો
વેપારીઓએ હવે જ્યારે પણ કોઈ નવું/જૂનું વાહન વેચે, ખરીદે કે ભાડે આપે, ત્યારે વ્યક્તિગત માહિતી અને વાહનની વિગતો સાથેનું એક રજિસ્ટર નિભાવવું પડશે અને તેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી-સિક્કા લેવા ફરજિયાત છે. વ્યક્તિગત માહિતીમાં વાહન ખરીદનાર/વેચનાર/ભાડે લેનારનું પૂરું નામ, જ્ઞાતિ, ઉંમર, સરનામું, અને કોન્ટેક નંબરનો સમાવેશ થાય છે. જેમાં વાહનની વિગતોમાં વાહનનો નંબર, પ્રકાર, તેમજ એન્જિન નંબર અને ચેસીસ નંબર સહિતની તમામ વિગતોનો સમાવેશ થાય છે.













