વઢવાણ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આયોજિત આ મેળાનો પ્રારંભ સાંસદ ચંદુભાઈ શિહોરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં એલોપેથી પાછળ દોડવાને બદલે આપણે આપણી સમૃદ્ધ આયુર્વેદિક વિરાસતને ફરી અપનાવવાની જરૂર છે.


નાગરિકો પંચકર્મ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવી સ્વસ્થ રહી શકે

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વિશ્વએ મહર્ષિ ચરક અને સુશ્રુત જેવા મહાન વૈદોના જ્ઞાનમાંથી જ આધુનિક સર્જરી પદ્ધતિઓ વિકસાવી છે. જો આપણે ઋતુચર્યા મુજબ આયુર્વેદિક જીવનશૈલી અને વનસ્પતિઓનું સેવન કરીએ, તો ગંભીર રોગોથી બચી શકાય છે. સરકાર દ્વારા આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ નાગરિકો પંચકર્મ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવી સ્વસ્થ રહે તેવો છે. વધુમાં, તેમણે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો સામે ચેતવણી આપતા જણાવ્યું કે, જંતુનાશકોના કારણે આજે નાના ગામડાઓમાં પણ કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો વ્યાપ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ચાલતાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અન્વયે ખેડૂતોને 'પ્રાકૃતિક ખેતી' અપનાવવા અનુરોધ કર્યો હતો.

વિદેશમાં પણ ભારતીય આયુર્વેદિક દવાઓની માગ વધી છે

તેમણે પોતે પણ ૩૦ વીઘામાં પ્રાકૃતિક રીતે દાડમની ખેતી કરતા હોવાનું ઉદાહરણ આપી લોકોને ઇતર પ્રવૃતિઓમાં સમય વેડફવાને બદલે સવારે યોગ અને કસરત કરી આરોગ્ય સુધારવા આહવાન કર્યું હતું. આયુષ મેળાને આયુર્વેદ, હોમિયોપેથી અને યોગનો ત્રિવેણી સંગમ ગણાવતાં જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ 'આયુષ મંત્રાલય'ની સ્થાપના કરીને ભારતીય આયુર્વેદિક પદ્ધતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. આજે જ્યારે આધુનિક જીવનશૈલીને કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યા છે, ત્યારે વિદેશોમાં પણ ભારતીય આયુર્વેદિક દવાઓની માગ અને સ્વીકૃતિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા નાગરિકોને અનુરોધ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત એ ઋષિ-કૃષિ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં રામાયણકાળથી સંજીવની જડીબુટી જેવી આયુર્વેદિક પરંપરાઓનો ઉલ્લેખ છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર કદાચ લાંબી હોઈ શકે, પરંતુ તે શરીરને નુકસાન કર્યા વગર રોગનો સચોટ અને કાયમી ઉકેલ આપે છે. સરકાર દ્વારા આવા મેળાના આયોજન પાછળનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી રોગોનું નિદાન અને જાગૃતિ પહોંચાડવાનો છે. આરોગ્ય વિભાગના તબીબોની કામગીરીને બિરદાવતા તેમણે જિલ્લાના તમામ નાગરિકોને બે દિવસીય આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા અને પરંપરાગત સારવાર પદ્ધતિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

નાગરિકોને ઔષધીય રોપા, ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સુરેન્દ્રનગરના પંચકર્મ નિષ્ણાંત ડો. ધરા જાધવે આયુષ મેળા અન્વયે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય મેળામાં યોગ, પ્રકૃતિ પરીક્ષણ અને મિલેટ્સ વાનગી સ્પર્ધા જેવા વિશેષ આકર્ષણો દ્વારા લોકોને આયુર્વેદિક જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, સાથે જ બાળકો માટે સુવર્ણપ્રાસન અને વયસ્કો માટે પંચકર્મ, અગ્નિકર્મ તથા રક્તમોક્ષણ જેવી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિઓના નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રીતેશ દવે દ્વારા આર્યુવેદની મહત્તા સમજાવી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ડો. મનોજ તારવાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને યોગાસનોની કૃતિઓ રજૂ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ અપાયો હતો. નાગરિકોને ઔષધીય રોપા, ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ મેળામાં આયુર્વેદ ગેમ ઝોન આકર્ષણનું કેન્દ્ર

આયુષ મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે રાજકોટના વૈદ્ય ડો. જયસુખભાઈ મકવાણા દ્વારા પ્રાચીન 'જાલંધર બંધ' પદ્ધતિથી કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન કે એનેસ્થેસિયા વગર પીડારહિત દાંત કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. મેળા દરમિયાન ડાયાબિટીસ, હૃદયરોગ, પથરી અને સ્ત્રીરોગ જેવી વ્યાધિઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને જાગૃત કરવા રસોડાના મસાલાના ગુણો, વનસ્પતિ પ્રદર્શન અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન પણ યોજાયું હતું. આ ઉપરાંત, શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સહયોગથી એનિમિયા તપાસ, આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણની વ્યવસ્થા કરાઈ હતી. યોગ નિષ્ણાંતોએ ડાયાબિટીસ અને મેદસ્વિતા મુક્તિ માટે યોગ-પ્રાણાયામની તાલીમ આપી હતી. આ મેળામાં આયુર્વેદ ગેમ ઝોન અને સૌંદર્ય ચિકિત્સા જેવી આધુનિક સુવિધાઓએ નવું આકર્ષણ જમાવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે 'ગર્ભ સંસ્કાર' બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું

જુના અને હઠીલા દર્દો માટે પંચકર્મ, અગ્નિ કર્મ અને રક્તમોક્ષણ જેવી પદ્ધતિઓનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે નિહાળી મુલાકાતીઓ અને મહાનુભાવો પ્રભાવિત થયા હતા. સાથોસાથ, બાળકોના સ્વાસ્થ્યવર્ધન માટે સુવર્ણપ્રાસન અને વયસ્કો માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા તેમજ શમશમનીવટીનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના બહેનો દ્વારા બનાવવામાં આવેલી જુદા જુદા મિલેટ્સમાંથી સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું નિદર્શન કર્યું હતું. તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મહાનુભાવોના હસ્તે 'ગર્ભ સંસ્કાર' બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસની ટીમ જોતરાઈ તપાસમાં


 

  • Follow us on: