સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી જતાં સમગ્ર પંથક ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે, અને લોકો ગરમીથી બચવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ સુરેન્દ્રનગર ગરમીના મામલે રાજ્યમાં મોખરે રહ્યું છે.


બપોરના સમયે રસ્તાઓ પર ‘અઘોષિત કરફ્યુ’ જેવો માહોલ

આકરા તડકા અને લૂના કારણે લોકો બપોરના 12 થી 5 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અત્યંત જરૂરી કામ હોય તો જ લોકો મોઢે રૂમાલ બાંધીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, છાશ અને અન્ય પ્રવાહીનું સેવન વધારી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં બપોરના સમયે અવરજવર ઘટતા બજારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

ઠંડા પીણા અને બરફના ગોળાના સહારે લોકો

ગરમીથી રાહત મેળવવા માટે સુરેન્દ્રનગરવાસીઓ કુદરતી અને કૃત્રિમ ઠંડકનો સહારો લઈ રહ્યા છે. બજારમાં ઠંડા પીણાના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ઘરના માટલા અને એસી-કૂલરના સહારે દિવસ વિતાવી રહ્યા છે. ખાસ કરીને વયોવૃદ્ધો અને બાળકોને ગરમીથી બચવા માટે તબીબો દ્વારા વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આશંકા

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઉપર જાય તેવી શક્યતા છે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ વધુ આકરા દિવસોનો સામનો કરવો પડી શકે છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે સાવચેતી રાખવા અને હાઇડ્રેટેડ રહેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surendranagar News: ચોટીલા પાસે 1.29 કરોડનો વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, ચારની શોધખોળ શરૂ


  • Follow us on: