ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. તાલાલાની એક સ્થાનિક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે શંકાસ્પદ સંજોગોમાં કરૂણ મોત નીપજ્યું છે. હોસ્ટેલમાં એડમિશન લીધાના અને આવ્યાના માત્ર બે જ દિવસમાં આ દુઃખદ ઘટના આકાર લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ નાવદ્રા ગામના ક્રિશ પાતળ (ધોરણ-8) તરીકે થઈ છે, જેનું ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.
પોલીસ તપાસ શરુ
આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ કારણ છુપાયેલું છે, તે દિશામાં તાલાલા પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની ગંભીરતાને જોતાં પોલીસે હોસ્ટેલ પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને હોસ્ટેલના સ્ટાફ, ગૃહપતિ તેમજ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ આ મામલાને રેગિંગ, બુલિંગ અથવા તો નવા વાતાવરણના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવના એંગલથી પણ તપાસી રહી છે.













