બનાસકાંઠાના થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી ગુમ યુવક અને સગીરાના રહસ્યમય ગુમ થવા પરથી આખરે પડદો હટ્યો છે. આજાવાડા અને સવપુરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બંનેના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના પ્રેમ પ્રકરણ અને ત્યારબાદ આત્મઘાતી પગલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ઘટનાની મળતી માહિતી મુજબ, મૃતક યુવક અશોક ઠાકોર એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પિતાનું અગાઉ અવસાન થયું હોવાથી તે તેના મામાના ઘરે રહેતી હતી. ગત 24 ડિસેમ્બરના રોજ સગીરા ગુમ થતા તેના મામાએ થરાદ પોલીસ મથકમાં અશોક ઠાકોર વિરૂદ્ધ અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી.
કેનાલમાંથી મળ્યા મૃતદેહ
પોલીસ અને સ્થાનિકોને શંકા હોવાથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આજાવાડા નજીકથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. મૃતદેહોને પ્રથમ થરાદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ તેજ
મૃતક યુવક અશોક ઠાકોર વિરુદ્ધ અગાઉથી જ ગુનો નોંધાયેલો હોવાથી, હવે તે પોતે પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. થરાદ પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શું આ બંનેએ પ્રેમમાં નિષ્ફળતાના ડરે કે પોલીસ ફરિયાદના ડરે કેનાલમાં ઝંપલાવ્યું છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક હસતા-રમતા પરિવારની દીકરી અને યુવકના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેરી વળ્યું છે.
થરાદમાં બે દિવસથી ગુમ યુવક-સગીરાના મૃતદેહ કેનાલમાંથી મળ્યા હતા. લગ્નની લાલચે ભગાડ્યા બાદ કરૂણ અંત. પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો - Banaskantha News: થરાદમાં નકલી સોનાના કૌભાંડનો પર્દાફાશ