અપહરણ અને ગેરકાયદેસર અટકાયત કરી ધાક ધમકીઓ આપી પૈસા પડાવવાના ગુન્હાના આરોપીઓને ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.


વટવાના વેપારીને 'કામ અપાવવા'ના બહાને બોલાવી અપહરણ કરી પૈસા પડાવી લેવાનો બનાવ

વટવાના વેપારીને 'કામ અપાવવા'ના બહાને બોલાવી અપહરણ કરી પૈસા પડાવી લેનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. મુખ્ય સૂત્રધાર દિલીપસિંહનો પુત્ર પણ શામેલ છે. અમદાવાદના વટવા નજીક વિંઝોલ ગામના એક વેપારીને રબર લાઈનીંગનું કામ અપાવવાના બહાને ઉમરેઠ બોલાવીને ડાકોર નજીક ચિતલાવની ઓરડીમાં લઈ જઈ માર મારી રોકડા ૧૫ હજાર અને કાર પડાવી લેવાના ગુનામાં ઉમરેઠ પોલીસે મુખ્ય સૂત્રધાર દિલીપસિંહ પરમાર, તેનો પુત્ર ધર્મેન્દ્રસિંહ અને એક અજાણ્યા યુવકની અટકાયત કરવામાં આવી છે.

દિલીપસિંહે ધવલભાઈને તેમની કાર લઈને ઉમરેઠ બોલાવ્યા

ફરિયાદી ધવલ હર્ષદભાઈ ભટ્ટ (રહે. વિંઝોલ) ઇન્ડસ્ટ્રીયલ જોબ વર્કનું કામ કરે છે. અગાઉ ધવલભાઈની કંપનીમાં કારીગર તરીકે કામ કરતા દિલીપસિંહ રણજીતસિંહ પરમારે ત્રણ મહિના પહેલા તેમને સાવલીમાં રબર લાઈનીંગનું કામ અપાવવા માટે ફોન કર્યો હતો. ગત ૭મી ડિસેમ્બરના રોજ દિલીપસિંહે ધવલભાઈને તેમની કાર લઈને ઉમરેઠ બોલાવ્યા હતા. દિલીપસિંહ બાઇક પર આવીને ધવલભાઈને ચિતલાવ ગામ પાસે આવેલી એક ઓરડીએ લઈ ગયો હતો. ત્યાં ધવલભાઈની ઓળખાણ ધર્મેન્દ્ર નામના વ્યક્તિ સાથે કરાવીને દિલીપસિંહ ત્યાંથી નીકળી ગયો હતો.

વીડિયો બનાવડાવી કાર પડાવી લીધી

ત્યારબાદ ધર્મેન્દ્ર ધવલભાઈને ઓરડીમાં લઈ ગયો, જ્યાં ૨૦ થી ૨૫ વર્ષના બીજા બે શખ્સો, જેમના નામ સુરેશ અને રાહુલ હોવાનું જાણવા મળ્યું હતું, તેઓ પણ આવી પહોંચ્યા હતા. ત્રણેય શખ્સોએ ધવલભાઈને માર મારવાનું ચાલુ કર્યું હતું અને પાંચ લાખની માંગણી કરી હતી. વીડિયો બનાવડાવી કાર પડાવી ધવલભાઈ પાસે પૈસા ન હોવાથી મિત્ર મારફતે ઓનલાઈન ૧૫ હજાર મંગાવ્યા હતા. આરોપીઓએ કાર નજીક ધવલભાઈને ઊભા રાખીને, "મારે પાંચ લાખ આપવાના બાકી છે, તે પેટે હું મારી કાર મૂકું છું અને પૈસા આપીને કાર લઈ જઈશ" તેવો વીડિયો પણ બનાવડાવ્યો હતો. ત્યારબાદ ડેબિટ કાર્ડ લઈને ઉમરેઠની ઓડ ચોકડીએ બસ સ્ટેશન નજીકથી ₹૧૫,૦૦૦ ઉપાડી લીધા હતા. જાનથી મારી નાંખવાની ધાક ધમકી આપીને લૂંટારુઓ ધવલભાઈને અમદાવાદ તરફ જતી બસમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા.

 તેમની કાર સુંદલપુરા બાયો ગેસ પ્લાન્ટ પાસે બિનવારસી હાલતમાં મળી આવી

અમદાવાદ પહોંચીને ધવલભાઈએ મિત્રોને વાત કરીને કારની શોધખોળ શરૂ કરાવી હતી. તપાસ દરમિયાન તેમની કાર સુંદલપુરા બાયો ગેસ પ્લાન્ટ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ મામલે ઉમરેઠ પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી દિલીપસિંહ, તેનો પુત્ર ધર્મેન્દ્રસિંહ અને એક અજાણ્યા યુવકની ઉમરેઠ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

 ઉમરેઠ પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

 નોંધનીય છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ અગાઉ પણ હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭) જેવા ગંભીરગુનામાં પકડાયેલા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી કારને મુદ્દામાલ તરીકે કબજે લીધી છે અને ઝડપાયેલા આરોપીઓને વધુ પૂછપરછ માટે ઉમરેઠ પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


  • Follow us on: