ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આખરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઉમરેઠમાં સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ 59.03 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થઈ ગયા છે અને સૌની નજર 4 મેના રોજ યોજાનારી મતગણતરી પર ટકેલી છે.
જે.વી. કોલેજ ખાતે થશે મતગણતરી
તંત્ર દ્વારા મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આણંદની જે.વી. કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ મથકો પરથી EVM મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી કેન્દ્ર પર લાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજકીય પાર્ટીના એજન્ટો અને આગેવાનોની હાજરી પણ અનિવાર્ય રાખવામાં આવી છે.













