વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અકળાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શહેર પોલીસ દ્વારા વાહનચાલકોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ
ગરમીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય શહેરના પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વાહનચાલક સિગ્નલ તોડે તો તેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ટુ-વ્હીલર ચાલકો પર સીધો તડકો પડતો હોય છે
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બપોરના સમયે શહેરમાં ટ્રાફિકનો ભાર સામાન્ય રીતે ઓછો રહે છે. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પર સીધો તડકો પડતો હોય છે. સાથે જ વાહનોના ધુમાડા અને ગરમીના કારણે લોકો માટે તકલીફ વધે છે.
ગરમીના કારણે હીટસ્ટ્રોક થવાનો ખતરો
ગરમીના કારણે હીટસ્ટ્રોક થવાનો ખતરો પણ વધે છે. તેથી વાહનચાલકો લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સિગ્નલો બંધ રહેશે ત્યારે પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વના જંકશન પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
વાહન ચાલકો માટે રાહત
શહેરમાં વધતી ગરમી વચ્ચે પોલીસ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય વાહનચાલકો માટે રાહતરૂપ સાબિત થશે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે લોકો પણ નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી