વડોદરા-હાલોલ રોડ પર કુમેઠા ગામ નજીક એક પીકઅપ વાન અને અજાણ્યા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર કરશનભાઈ ઉર્ફે ઉગો ધનાભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક વિનોદભાઈ મકવાણા અને છત્રપાલસિંહ ગોહીલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.


પીકઅપવાન વાનમાંથી પોલીસને મળી આવ્યો દારૂ

અકસ્માત બાદ જ્યારે પોલીસે પીકઅપ વાનની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તસ્કરોએ દારૂ છુપાવવા માટે ફાયર સેફ્ટીના સિલિન્ડરો અને પ્લાસ્ટિકના પીપળાનો ઉપયોગ કર્યો હતો. પોલીસે સિલિન્ડરો કાપીને જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં કુલ 2233 નંગ દારૂ અને બીયરની બોટલો જપ્ત કરવામાં આવી છે.

અકસ્માતમાં એક યુવકનું નીપજ્યુ હતુ મોત

પોલીસે અંદાજે રૂ.3.75 લાખની કિંમતનો દારૂ અને વાહન મળીને કુલ રૂ.6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો પરપ્રાંતમાંથી લાવીને ભાવનગર પહોંચાડવાનો હતો. પોલીસે હાલ મૃતક અને ઇજાગ્રસ્તો સામે ગુનો નોંધીને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું મુખ્ય નેટવર્ક ક્યાં જોડાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: