વડોદરાના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર હાલમાં નાના બાળકો અને નવજાત શિશુઓને ખોળામાં રાખી ભીખ માંગતી મહિલાઓ તેમજ વિકલાંગતાનો ડોળ કરતા ભિક્ષુકોની સંખ્યા વધી છે. ઉત્તરાયણના પર્વમાં લોકો ઉદાર હાથે દાન આપતા હોવાથી આ ટોળકીઓ સક્રિય બની છે.


પોલીસને જોઈ ભિક્ષુકોની દોટ

જ્યારે AHTU ની ટીમ ગેંડા સર્કલ પાસે તપાસ માટે પહોંચી ત્યારે ભિક્ષુકોના વેશમાં રહેલી મહિલાઓ અને બાળકીઓ રિક્ષામાં બેસીને નાસી છૂટી હતી. ચોંકાવનારી વાત તો એ બની કે, આંબેડકર સર્કલ પાસે જે ભિક્ષુકો અત્યાર સુધી શારીરિક અસમર્થ હોવાનો ડોળ કરતા હતા, તેઓ પોલીસની ગાડી જોતા જ સામાન્ય માણસ કરતા પણ વધુ ઝડપે દોડવા લાગ્યા હતા. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે ભીખ માંગવી એ હવે માત્ર મજબૂરી નહીં પણ એક સંગઠિત વ્યવસાય બની ગયો છે.

બાળ તસ્કરી અને મજૂરી પર તપાસ

AHTU ના PI સી.એચ. આંસુન્દ્રાએ જણાવ્યું હતું કે, "બાળ મજૂરી રોકવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ભીખ માંગતા બાળકો ખરેખર તે મહિલાઓના જ છે કે પછી તેમને બાળ તસ્કરી (Trafficking) દ્વારા અહીં લાવવામાં આવ્યા છે." અત્યાર સુધીમાં 'બાળગોકુલમ' માં 100 જેટલા બાળકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચાઈલ્ડ હેલ્પલાઈન અને પોલીસની આ તપાસનો મુખ્ય હેતુ બાળકો પાસે જબરદસ્તી ભીખ મંગાવતા તત્વોને પકડવાનો અને માસૂમ બાળકોને આ નરકમાંથી બહાર કાઢી તેમનું ભવિષ્ય સુધારવાનો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: