વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજૂસર ચોકડી પાસેની એક કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં તેણે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિકો અને અન્ય કંપનીના કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.


ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

આગ લાગવાની ઘટનાની જાણ થતા જ સાવલી અને આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થો અથવા કેમિકલને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું મનાય છે.

જાનહાનિના સમાચાર નથી

સદનસીબે, આગ લાગી ત્યારે કંપનીમાં હાજર કર્મચારીઓ સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, આગને કારણે કંપનીમાં રહેલા મશીનો અને કાચો માલ બળીને ખાખ થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ફાયર વિભાગની ટીમ હાલ આગને વધુ પ્રસરતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.


આ પણ વાંચો - Vadodara News: પત્નીએ પૈસા ન આપતા પતિનો કેનાલમાં કૂદ્યો, 2 કિમી દૂરથી મૃતદેહ મળ્યો


  • Follow us on: