વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓ બનતા પહેલા જ તેને અટકાવવા માટે હવે ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ વિંગની રચના માટે ભરતી કરવાની મંજૂરી માગતી દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી જેને આજે મંજૂરી આપવામાં આવી છે.


ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિયમ

જીપીએમસી એક્ટ મુજબ આગ ઓલવવા તેમજ નાગરિકોની જિંદગી અને મિલકતનું રક્ષણ કરવા માટે યોગ્ય સાધનોથી સજ્જ અગ્નિશામક દળ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ–2013 અંતર્ગત ચીફ ફાયર ઓફિસરના તાબા હેઠળ ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

કુલ 34 સભ્યોની નિમણૂક કરવામાં આવશે

પ્રસ્તાવિત ફાયર પ્રિવેન્શન વિંગમાં ડે. ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, 4 સ્ટેશન ઓફિસર, 4 સબ ઓફિસર, 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ), 16 ફાયર સૈનિક અને 4 જુનિયર ક્લાર્ક સહિત કુલ 34 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય સ્થાયી સમિતિમાં લેવાશે.

આગની ઘટના બને તે પહેલા જ જોખમોને ઓળખી તેને અટકાવવાનો પ્રયાસ

ફાયર પ્રિવેન્શન વિંગનો મુખ્ય ઉદ્દેશ આગની ઘટના બને તે પહેલા જ જોખમોને ઓળખી તેને અટકાવવાનો રહેશે. આ વિંગ દ્વારા સમયાંતરે મોકડ્રીલ યોજાશે, તેમજ હોસ્પિટલ, શાળાઓ, સરકારી કચેરીઓ સહિત વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન કરી લોકોને તાલીમ આપવામાં આવશે. ઇન્સ્પેક્શન દરમિયાન જો કોઈ ત્રુટિ સામે આવશે તો તેને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ખાનગી સંસ્થાઓ અને મકાનોમાં પણ ચેકિંગ કરી માર્ગદર્શન આપવામાં આવશે.

નાના શહેરોમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થઈ ચૂકી છે

ઉલ્લેખનીય છે કે ભાવનગર અને જામનગર જેવા નાના શહેરોમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થઈ ચૂકી છે અને ત્યાં કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જ્યારે વડોદરા જેવા મોટા શહેરમાં હજુ સુધી આ વિંગ કાર્યરત ન હોવું ચર્ચાનો વિષય બન્યું છે. આ વિંગની રચના થવાથી વડોદરામાં આગની ઘટનાઓમાં ઘટાડો થવાની અને નાગરિકોની સલામતી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

  • Follow us on: