રાજ્યમાં વન્યજીવોના અકસ્માતે મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે દીપડાને અડફેટે લેતા દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના પાદરાના સાદડ ગામ પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બની હતી. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સામે આવી ગયેલા દીપડાને જોરદાર ટક્કર મારી હતી.


સાદડ ગામ નજીક નેશનલ હાઈવે પરની ઘટના

કારની ટક્કર એટલી ભયાનક હતી કે દીપડાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક જીવરક્ષક સંસ્થાની ટીમ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગે દીપડાના મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. મૃતદેહને યોગ્ય તપાસ અને રિપોર્ટ માટે પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યો હતો.

કારની ટક્કરથી દિપડાનું ઘટના સ્થળે જ મોત

અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈવે પર વન્યજીવોની અવરજવર વાળા વિસ્તારોમાં વાહનચાલકોએ ઝડપ મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને રાત્રિના સમયે વન્યપ્રાણીઓ રસ્તો ઓળંગતા હોય ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. આ મામલે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: