વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલી પાયોનિયર કોલેજમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાયોનિયર કોલેજમાં અભ્યાસ કરતા BAMS (આયુર્વેદ) ના એક વિદ્યાર્થીએ જાતિ આધારિત હેરાનગતિથી કંટાળીને કોલેજના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે પોલીસે બે પ્રોફેસરો વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


જાતિવાદ અને માનસિક ત્રાસનો આક્ષેપ

ઘટનાની મળતી માહિતી અનુસાર, રોહન રાઠોડ નામનો વિદ્યાર્થી પાયોનિયર કોલેજમાં BAMSનો અભ્યાસ કરી રહ્યો છે. રોહનનો આક્ષેપ છે કે, કોલેજના બે પ્રોફેસરો તેને તેની જાતિના આધારે નિશાન બનાવી રહ્યા હતા અને સતત માનસિક હેરાનગતિ કરી રહ્યા હતા. આ અપમાન અને ત્રાસ સહન ન થતા રોહને અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું અને કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.

સારવાર અને પોલીસ કાર્યવાહી

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રોહનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિને જોતા તેને જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે ખસેડાયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા કપુરાઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. રોહનના નિવેદન અને પ્રાથમિક પુરાવાઓના આધારે પોલીસે કોલેજના બે પ્રોફેસરો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

કોલેજ કેમ્પસમાં ગરમાવો

વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસને પગલે કોલેજ કેમ્પસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ દ્વારા પ્રોફેસરો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી રહી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, પ્રોફેસરો દ્વારા રોહનને કઈ રીતે અને કેટલા સમયથી હેરાન કરવામાં આવતો હતો. હવે જોવાનું એ રહેશે કે જાતિના નામે હેરાન થતા વિદ્યાર્થી રોહન રાઠોડને ન્યાય મળે છે કે, રોહિત વેમુલા કેસની જેમ વર્ષો સુધી ન્યાય માટે વલખા મારતો રહેશે.


આ પણ વાંચો - Gujarat Express Way : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેનું એક્સપાન્શન થશે, 93.30 કિલોમીટરનો રોડ 6 લેન બનાવવામાં આવશે


  • Follow us on: