વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે ચૂંટાયેલી પાંખના સૂચનો અને અધિકારીઓના વિઝનને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવે છે. આ દિશામાં વડોદરા મહાનગરપાલિકાએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસલક્ષી બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.
ગત વર્ષે લોકોના અભિપ્રાય મગાવ્યા હતા
અમદાવાદ અને સુરતની જેમ વડોદરા પાલિકાએ ગત વર્ષે લોકોના અભિપ્રાય મગાવ્યા હતા, જેને 2025–26ના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે 2026–27નું બજેટ તૈયાર કરવાની અને તેને સ્થાયી સમિતિમાં મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 28થી 30 જાન્યુઆરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.
સૂચનો આપવા આમંત્રણ
બજેટ રજૂઆત પહેલા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને લોકસુવિધા સંબંધિત કામો માટે સૂચનો આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શહેરીજનો પાલિકાની વેબસાઈટ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સૂચનો આપી શકશે. સૂચન આપતી વખતે પોતાનું નામ, સરનામું, વોર્ડ-વિસ્તાર અને કયા વિભાગ માટે સૂચન છે તે સહિતની વિગત આપવાની રહેશે.
ગત વર્ષે 1982 સૂચનો
ગત વર્ષે પાલિકાને કુલ 1982 સૂચનો મળ્યા હતા, જેમાં સૂચનો સાથે ફરિયાદો પણ સામેલ હતી. આમાંથી 1098 સૂચનો રસ્તાઓની સ્થિતિને લઈ હતા, જેમાં તંત્ર સામે સૌથી વધુ ટીકા નોંધાઈ હતી. ગાર્ડન સુધારાના 168, પાણી પુરવઠા સંબંધિત 147, કચરાની સમસ્યાના 136 અને વરસાદી ગટરો અંગે 127 ફરિયાદો મળી હતી. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાંથી દબાણ હટાવવા બાબતે પણ નાગરિકોએ સૂચનો કર્યા હતા.
કેવી રીતે આપશો સૂચન
નાગરિકો પાલિકાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર મુકાયેલા ‘પાર્ટિસિપેટરી બજેટ’ના QR કોડને સ્કેન કરીને સૂચન આપી શકશે. તેમાં વોર્ડ-વિસ્તાર, નામ, સરનામું, મોબાઈલ નંબર, સંબંધિત વિભાગ અને વિગતવાર સૂચન નોંધાવવાનું રહેશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર પણ સૂચનો આપી શકાય છે.
શહેરના વિકાસમાં સહભાગી બનો
પાલિકા દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે વધુમાં વધુ નાગરિકો પોતાની ભાગીદારી નોંધાવી શહેરના વિકાસમાં સહભાગી બનશે.
આ પણ વાંચો------ Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર