વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રાધે રત્નમ સોસાયટીના રહેવાસી કૃમિલ ભરતકુમાર ગાંધીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ભાડુઆત સામે રૂપિયા 6 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ભાડેથી મકાન લેવા આવેલા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ અને સોની તપન નવીનચંદ્ર શાહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કૃમિલ ગાંધીએ પોતાનું વિજયનગર સોસાયટી ખાતેનું મકાન હિતેષ યાજ્ઞિકને માસિક રૂપિયા 5,300ના ભાડે આપ્યું હતું. વાતચીત દરમિયાન, મહારાજે કૃમિલના લગ્ન ન થતાં હોવાથી ગ્રહો નડતા હોવાનું જણાવ્યું હતું અને ગ્રહ શાંતિ માટે સોનાના દાગીનાની વિધિ કરવાની વાત કરી હતી.
વડોદરામાં 'ઘનશ્યામ મહારાજ'ની ઠગાઈ
મહારાજે તેમની પાસેથી રૂપિયા 2.50 લાખના સોનાના દાગીના વિધિ માટે લીધા અને રૂપિયા 1 લાખમાં ગીરવે મૂકી દીધા. એટલું જ નહીં, કૃમિલના ક્રેડિટ કાર્ડ પરથી રૂપિયા 40 હજારનું ફ્રિજ, રૂપિયા 40 હજારનું AC અને રૂપિયા 30 હજાર રોકડા મળી કુલ રૂપિયા 3.60 લાખની મતા પડાવી લીધી. તેમની માનસિક શાંતિ માટે વિધિ કરાવવાના બહાને રૂપિયા 1.90 લાખના દાગીના લીધા અને સોની તપન શાહ પાસે રૂપિયા 35 હજારમાં ગીરવે મૂક્યા. ધંધામાં પ્રગતિની વિધિના નામે રૂપિયા 40 હજારની વીંટી ગીરવે મૂકી. આમ, કુલ રૂપિયા 5.90 લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડ પરત ન આપતા, મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. દાગીના ગીરવે મૂકનાર સોની તપન શાહને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.













