સંસ્કારી નગરી વડોદરામાં હાલ રખડતા કૂતરાઓનો આતંક નાગરિકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે. વડોદરા શહેરમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓના ખસીકરણ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને બાળકો પર કૂતરાઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.


વર્ષે 10 હજાર લોકોને કૂતરાઓએ બનાવ્યા શિકાર

વડોદરા મહાનગરપાલિકાના આંકડા મુજબ, વડોદરા શહેરમાં દર વર્ષે અંદાજે 10,000 જેટલા લોકોને રખડતા કૂતરાઓ કરડે છે. ખાસ કરીને વાડી અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે દ્વિચક્રી વાહનચાલકો પાછળ કૂતરા દોડવાને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, દર વર્ષે ડોગ બાઈટની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, જે તંત્ર માટે પણ મોટો પડકાર છે.

ખસીકરણ પાછળ વાર્ષિક 90 લાખનો ખર્ચ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં રાખવા માટે મોટા પાયે ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. દર વર્ષે અંદાજે 5 થી 6 હજાર કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. આ કામગીરી પાછળ કોર્પોરેશન દર વર્ષે અંદાજે રૂપિયા 80 થી 90 લાખનો તોતિંગ ખર્ચ કરે છે.

જનતામાં રોષ: ખર્ચ થાય છે પણ પરિણામ ક્યારે?

લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કૂતરાઓનો આતંક ઓછો ન થતા વડોદરાના શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, માત્ર કાગળ પર ખસીકરણ બતાવવાને બદલે જમીની સ્તર પર અસરકારક કામગીરી થવી જોઈએ જેથી માસૂમ બાળકો અને વડીલો કૂતરાના હુમલાથી સુરક્ષિત રહી શકે.


આ પણ વાંચો - Vadodara News : વડોદરામાં પોલીસકર્મીએ નશામાં સર્જયો અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળી આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ


  • Follow us on: