સંસ્કારી નગરી વડોદરામાં રખડતા શ્વાનો (સ્ટ્રીટ ડોગ્સ) ના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. કેરએસ્ટ્રે ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત રસ્તા પર રહેતા કૂતરાઓ અને ગલુડિયાઓ માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેબીઝ મુક્ત શહેર બનાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં પ્રાણીપ્રેમીઓ જોડાયા હતા.
નિઃશુલ્ક રસીકરણ અને '10-ઇન-1' સુરક્ષા
સામાન્ય રીતે પાલતુ કૂતરાઓને જ રસી અપાતી હોય છે, પરંતુ કેરએસ્ટ્રે ફાઉન્ડેશને રસ્તા પરના શ્વાનોની ચિંતા કરી છે. આ કેમ્પમાં '10-ઇન-1' (જે શ્વાનોને જીવલેણ 10 રોગો સામે રક્ષણ આપે છે) અને નિઃશુલ્ક એન્ટી-રેબીઝ રસી આપવામાં આવી હતી. આ પહેલથી ન માત્ર શ્વાનોનું રક્ષણ થશે, પરંતુ માનવીઓમાં ફેલાતા હડકવા (રેબીઝ) ના જોખમને પણ ઘટાડી શકાશે.













