ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. વડોદરામાં ગત વર્ષે કારેલીબાગ વિસ્તારમાં આશુતોષ ચાર રસ્તા પર હોળીની રાત્રે બેફામ સ્પીડમાં કાર ચલાવી નશામાં ધૂત રક્ષિત ચૌરસીયાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને સાત લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ કેસમાં આરોપી રક્ષિત સામે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક અરજીમાં ગુજરાત સરકારે જામીન રદ કરવા વિનંતી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી આરોપીને મળેલા જામીનમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આરોપી સમાજ માટે ખતરો છે
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ એન.વી. અંજારિયાની ખંડપીએ આ અરજીની સુનાવણી પર ચુકાદો આપતા કહ્યું હતું કે, આરોપી 9 મહિનાથી કસ્ટડીમાં છે. એવામાં વધુ સમય સુધી જેલમાં રાખવા માટે કોઈ ખાસ આધાર નથી. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ નશો કર્યો હતો અને સતત ત્રણ વખત ટક્કર મારી હતી. ઘટના બાદ પણ તેનામાં કોઈ પસ્તાવો નહોતો. તે વધુ એક રાઉન્ડની વાતો કરતો હતો. રાજ્ય સરકાર તરફથી એવુ પણ કહેવામાં આવ્યું હતું કે, આરોપી સમાજ માટે ખતરો છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ એક મામલો નોંધાયેલો છે.













