દાહોદના વેપારીને 50 લાખ રૂપિયાની લોન અપાવવાનું કહી 14 લાખથી વધુ રકમ પડાવી લેવાના કૌભાંડમાં માતા, પુત્ર સહિત ત્રણ આરોપીઓ સામે જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


 ધંધા માટે લોનની જરૂરિયાત હતી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે રહેતા વાસણ અને ફર્નિચરના વેપારી મેહુલકુમાર વસંતભાઇ પંચાલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને ધંધા માટે લોનની જરૂરિયાત હોઈ વડોદરાના અક્ષર ચોક પાસે આવેલા સિગ્નટ હબ કોમ્પ્લેક્સમાં આવેલી સહયોગ ફાઇનાન્સની ઓફિસમાં ગયા હતા. ત્યાં હાજર મહિલાએ પોતાનું નામ નયનાબેન મહીડા હોવાનું અને સાથે હાજર વ્યક્તિને પોતાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

તેઓએ અત્યાર સુધી અનેક લોકોને કરોડોની લોન કરાવી આપી છે

બન્નેએ દાવો કર્યો હતો કે તેઓએ અત્યાર સુધી અનેક લોકોને કરોડોની લોન કરાવી આપી છે અને અન્ય એજન્ટોની સરખામણીએ ઓછું કમિશન લે છે. 15થી 20 દિવસમાં લોન મંજૂર કરાવી આપવાની ખાતરી આપીને ફરિયાદી પાસેથી ફી પેટે રૂ. 4,500 તથા કમિશન પેટે રૂ. 1.50 લાખ રોકડા લીધા હતા.

લોન પણ નહીં થાય અને રૂપિયા પણ પરત નહીં મળે

ત્યારબાદ લોન પ્રક્રિયા ઝડપથી કરવા માટે વિજયભાઇ સાવલીયાનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. લોન મંજૂરીના નામે ફરિયાદીએ ત્રણેયને કુલ રૂ. 14.03 લાખ ચુકવ્યા હતા. જોકે, બાદમાં જ્યારે ફરિયાદી પરિવાર ચાર રસ્તા નજીક વિજય સાવલીયાના ઘરે લોન બાબતે પૂછપરછ કરવા પહોંચ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે લોન પણ નહીં થાય અને રૂપિયા પણ પરત નહીં મળે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

આ ઘટનાને લઈને જે.પી. રોડ પોલીસે માતા, પુત્ર અને ત્રીજા આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----    Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ

  • Follow us on: