વડોદરા અને સુરત જિલ્લામાંથી વિદેશી કોલેજોમાં ફી ભરવાના નામે લાખો રુપિયા પડાવી લેનારા ભેજાબાજ વિજય પરમારને પોલીસે ઝડપી પાડ્યો છે. વિજય ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન નામની ઓફિસ ચલાવતા હતા તેણે ત્રણ વ્યક્તિ સાથે 55 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી
છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
વિજય પરમાર પર વિદેશની કોલેજો અને યુનિવર્સિટીઓના એડમિશન અને ફી ભરવાના નામે ત્રણ વિધાર્થીઓ પાસેથી રકમ પડાવવાનો આરોપ છે. અટલાદરાના છાણી વિસ્તારના એક વિધાર્થી સાથે વિજય પરમારે કેનેડાના જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશન બાદ 24.47 લાખ રૂપિયા ફી ભરવા માટે પડાવ્યા હતા અને વિજયે બોગસ રીસીપ્ટ આપી હતી, જેના કારણે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો
બીજા કિસ્સામાં સુરતના ઉમરા વિસ્તારના વિધાર્થી સાથે વિજયે કેનેડાની યુનિવર્સિટી "કેનેડા વેસ્ટ"માં એડમિશન માટે 17.62 લાખ ફી અને ડિપોઝિટ વસુલ્યા હતા, જેના લીધે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જ્યારે ત્રીજા બનાવમાં હરણીના વિધાર્થી સાથે પણ વિજય પરમારે અમેરિકાની "યુનિવર્સિટી ઓફ અલાબામા"માં એડમિશન ફી ભરવા માટે 13.68 લાખ વસુલ્યા, જેની ફરીથી હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
આખરે પોલીસના હાથે ઝડપાયો
આ બનાવમાં પોલીસ તેને શોધી રહી હતી. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે વિજય પરમાર અટલાદરાના આર્ય ઈલાઈટ-2 મકાનમાંથી શિફ્ટ થઈ ભાયલી વિસ્તારના ક્રિષ્ના વાટિકા ફ્લેટમાં રહેવા આવ્યો છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી લીધો હતો
કાયદેસરની કાર્યવાહી
વિજય પરમાર સામે કુલ ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયો છે, જેમાં ઠગાઈ અને આર્થિક ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ