વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ-વન અધિકારીઓ પોતાની વિવિધ માંગોને લઇને સામૂહિક રજા (માસ-સી.એલ.) પર ઉતરી ગયા હતા. આ મામલે અધિકારીઓએ પરમ દિવસે કમિશનરને આવેદનપત્ર આપતાં પોતાના અનેક મુદ્દાઓ પર તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. આજે મ્યુનિસીપલ કમિશનરે કહ્યું હતું કે ક્લાસ 1 અધિકારીઓની અલગ અલગ માગ છે અને આ મામલે સામાન્ય વહિવટ વિભાગને સૂચના આપવામાં આવી છે.


ફિલ્ડ વર્ક ચાલુ જ રાખવામાં આવ્યું હતું

કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે, બે-ત્રણ ઈસ્યુને લઈને ક્લાસ-વન ઓફિસરો દ્વારા મને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની માંગોને લઈને તેઓ રજા પર ઉતરવાના હતા, છતાં ફિલ્ડ વર્ક ચાલુ જ રાખવામાં આવ્યું હતું.

અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં CCTV કેમેરા લગાવવાની માંગ પણ રજૂ કરી

ક્લાસ-વન અધિકારીઓએ કરવામાં આવેલી વિવિધ માંગણીઓમાં આરટીઆઈ સંબંધિત પ્રક્રિયા, કાર્યસુવિધાઓ, ઓફિસ સુરક્ષા સહિતના મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે. અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં CCTV કેમેરા લગાવવાની માંગ પણ રજૂ કરી હતી, જેથી પારદર્શિતા અને સુરક્ષામાં વધારો થાય.

માંગણીને લઈ જીએડી વિભાગને સૂચના આપવામાં આવી

કમિશનરે જણાવ્યું હતું કે, ક્લાસ-વન ઓફિસરોની જુદી જુદી માંગણીને લઈ જીએડી વિભાગને સૂચના આપવામાં આવી છે. માંગણીઓનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

અધિકારીઓ અને કમિશનર વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ

આ અંગે અધિકારીઓ અને કમિશનર વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી. કમિશનરે માંગણીઓ પર જરૂરી કાર્યવાહી કરવા, તેમજ ઉકેલ લાવવામાં મોડું ન કરવા માટે ખાતરી આપતાં પરિસ્થિતિ શમવાની દિશામાં આગળ વધી છે.


આ પણ વાંચો---  Gujarat Flashback 2025 : રાજ્યમાં માત્ર ઓવર સ્પીડીંગના કારણે 7278 લોકોના મોત, આ ડેટા વાંચીને તમે ધ્રુજી ઉઠશો

  • Follow us on: