વડોદરામાં રૂ.4.92 કરોડની ઠગાઈના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. PCB, SOG અને જે.પી. પોલીસે સંયુક્ત દરોડા પાડીને તાંદલજા વિસ્તારના ચાંદ પાર્ક હાઇટ્સમાંથી મુખ્ય આરોપી ઈદ્રીશ અજમેરીની અટકાયત કરી છે. થોડા દિવસો પહેલા જે.પી. પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભેજાબાજોએ કર્ણાટકની એક મહિલા ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરી હતી.
બેંક ઓફ ચિલ્ડ્રનની દોઢ કરોડની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ
આ ઠગાઈમાં 15 જેટલા ભેજાબાજો સામેલ હતા. જેમાંના એક શ્રીનીવાસન નામનો શખ્સ ED અધિકારી બનીને ફર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી બેંક ઓફ ચિલ્ડ્રનની દોઢ કરોડની ડુપ્લીકેટ નોટો અને 3 કિલો ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે. FSL ટીમ અને બેંક અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ઇલેક્ટ્રિક ત્રાજવા અને ચલણી નોટો ગણવાના મશીનો પણ કબજે કર્યા છે.













