સંસ્કારી નગરી વડોદરામાં વિકાસ કામોની સાથે ફરી એકવાર વહીવટી તંત્ર અને ભ્રષ્ટાચારના આક્ષેપો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વડોદરા શહેરના એક બિલ્ડરની સાઈટ પર ડ્રેનેજ લાઈનના કામકાજ અને દંડની વસૂલાત મુદ્દે કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓ વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટરે સીધેસીધા કાર્યપાલક ઈજનેર પર બિલ્ડર સાથે 'સાઠગાંઠ' હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.


નાયબ ઈજનેરે 5 ગણો દંડ વસૂલવા માટેનો ઠરાવ તૈયાર કર્યો

કોન્ટ્રાક્ટર મનોહર ગાયકવાડે વહીવટી તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બિલ્ડરની સાઈટ પર ડ્રેનેજ લાઈનના નિયમભંગ બદલ સૌપ્રથમ નાયબ ઈજનેરે 5 ગણો દંડ વસૂલવા માટેનો ઠરાવ તૈયાર કર્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટરના દાવા મુજબ, કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ આ કડક ઠરાવ પર સહી કરી ન હતી.

પાછલા બારણે ઓછી રકમમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું - કોન્ટ્રાક્ટર

ગાયકવાડે આક્ષેપ કર્યો છે કે, ત્યારબાદ અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે વાતચીત થઈ હતી અને બિલ્ડરને ફાયદો કરાવવા માટે પાછલા બારણે ઓછી રકમમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આમ, પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી બિલ્ડરને છાવરવામાં આવ્યો હોવાનો દાવો કોન્ટ્રાક્ટરે કર્યો છે.

કોઈપણ પ્રકારનું ખોટું કામ થયું નથી - કાર્યપાલક ઈજનેર

બીજી તરફ, આ ગંભીર આક્ષેપોના જવાબમાં કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, ઠરાવ અને કામગીરી સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા મુજબ જ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનું ખોટું કામ થયું નથી.

હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે સત્ય બહાર આવશે. હાલમાં ડ્રેનેજ લાઈનના આ કામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારી સામસામે આવી જતા પાલિકામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું.

  • Follow us on: