વડોદરાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'બરોડા ડેરી'ના નિયામક મંડળ (Board of Directors) પર સહકાર વિભાગે કાયદાકીય સકંજો કસ્યો છે. આગામી ચૂંટણીઓ પૂર્વે જ સહકાર વિભાગ દ્વારા નિયામક બોર્ડને કલમ 76(B) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નોટિસ ભૂતકાળમાં ડેરી દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના બેફામ ખર્ચ અને વહીવટી અનિયમિતતાઓ સંદર્ભે ઈશ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર સહકાર વિભાગે આ નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે ભૂતકાળમાં થયેલા મોટા નાણાકીય ખર્ચમાં બોર્ડના સભ્યોની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે. કરોડો રૂપિયાના આ ખર્ચ મામલે સભ્યો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે આટલો મોટો ખર્ચ કરવા પાછળના ઠોસ કારણો શું હતા? કલમ 76-બી હેઠળની આ નોટિસ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે, કારણ કે તેમાં સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા સુધીની જોગવાઈઓ હોઈ શકે છે.













