વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે કરવામાં આવતી કામગીરી હવે સવાલોના ઘેરામાં છે. ખાસ કરીને તહેવારો ટાણે જે પ્રકારે ચેકિંગના નામે માત્ર ફોર્માલિટી કરવામાં આવે છે, તેને લઈને વડોદરાના જાગૃત નાગરિકોએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. લોકોનું કહેવંં છે કે આ પ્રકારની કામગીરી માત્ર દેખાડો છે, વાસ્તવિકતામાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. નાગરિકોએ આરોગ્ય વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ મીઠાઈ કે ખાદ્ય તેલના સેમ્પલ લેવામાં આવે છે, ત્યારે તેનો લેબોરેટરી રિપોર્ટ આવતા ઘણો લાંબો સમય લાગે છે.
આરોગ્ય વિભાગ ફક્ત ચેકીંગ કરે છે: નાગરિકો
ત્યાં સુધીમાં તો એ જથ્થો બજારમાં વેચાઈ જાય છે અને હજારો લોકો તે આરોગી પણ લે છે. જ્યારે રિપોર્ટ પોઝિટિવ (ફેઈલ) આવે, ત્યારે એ ખોરાક લોકોના પેટમાં પહોંચી ચૂક્યો હોય છે. સ્થળ પર જ તપાસ કરી શકાય તેવી આધુનિક ટેકનોલોજી કે 'મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ'નો પૂરતો ઉપયોગ થતો નથી તેવી લોકોની ફરિયાદ છે. તહેવાર પૂરતું જ ચેકિંગ કેમ? લોકો પૂછી રહ્યા છે કે શું ભેળસેળ માત્ર દિવાળી કે હોળી પર જ થાય છે? આખું વર્ષ તંત્ર કેમ નિદ્રાધીન રહે છે? માત્ર સેમ્પલ લેવાથી ભેળસેળ અટકતી નથી.













