ગુજરાતમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તંત્રના શ્વાન ખસીકરણના દાવા વચ્ચે વધી રહેલી આ ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો છે. રાજ્યમાં શ્વાનના હુમલાની ઘટનાઓને કારણે લોકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ફરીવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે જઈ રહેલા એક બાળક પર ચાર જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાળકને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરાના ગોરવામાં રખડતા કૂતરાનો આતંક
વડોદરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરમાં ગોરવા રિફાઈનરી રોડ પર સ્કૂલે જઈ રહેલા એક નાના બાળક પર એક સાથે ચાર શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી બાળક ઘૂંટણી પડી ગયો હતો આ દરમિયાન પણ બાળકને શ્વાનોએ બચકાં ભરી લીધા હતાં. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. બાળક ઉભો થાય તે પહેલા જ અન્ય શ્વાન પણ તેની પર તૂટી પડ્યા હતાં. ત્યાંથી પસાર થતી એક મહિલા અને કારચાલકે સમયસૂચકતા દાખવી બાળકને બચાવ્યો હતો. શ્વાનના હુમલાથી બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.













