અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોબલનગર પાસે એક કારને આંતરીને બાળ તસ્કરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં વંદના પંચાલ, સુમિત યાદવ, રોશન અગ્રવાલ અને મૌલિક દવેની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી હિંમતનગરના યુનુસ પાસેથી માત્ર રૂ. 60 હજારમાં નવજાત બાળકને ખરીદીને હૈદરાબાદના એજન્ટ નાગરાજને રૂ. 3.60 લાખમાં વેચવા માટે એરપોર્ટ જઈ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, આ આરોપીઓ અગાઉ પણ બાળ તસ્કરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.


ACP ભરત પટેલનું નિવેદન

આ આખું નેટવર્ક ત્રણ તબક્કામાં ચાલતું હતું, જેમાં સાબરકાંઠા અને હિંમતનગરની હદમાંથી બાળકો મેળવી તેને ઊંચા ભાવે અન્ય રાજ્યોમાં વેચવામાં આવતા હતા. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક બાળકોના સોદા કર્યા હોઈ શકે છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ત્રણ અલગ-અલગ ટીમો આ કેસના મૂળ સુધી પહોંચવા માટે હિંમતનગર અને હૈદરાબાદમાં તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય એજન્ટોના નામ પણ સામે આવી શકે.

આ પણ વાંચો : Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા

  • Follow us on: