વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા અપાયેલી કડક સૂચનાઓના પગલે કારેલીબાગ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં હનુમાનજીના મંદિરની પાછળ જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા એક હિસ્ટ્રીશીટરને પોલીસે ઝડપી પાડ્યો છે.
બનાવની વિગત મુજબ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે નવીધરતી ગોલવાડમાં રહેતો જેઠાભાઈ મંગતાણી વિદ્યાનંદ ચોક પાસે મંદિરની પાછળ બેસીને ગ્રાહકોને છૂટકમાં ગાંજો વેચી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડતા આરોપી જેઠાભાઈ પરમાનંદ મંગતાણી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.













