ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે જાણીતી વડોદરા શહેર પોલીસે ફરી એકવાર બુટલેગરો અને દારૂના બંધાણીઓ પર સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં 20 નવેમ્બર 2025ના રોજ શહેર પોલીસે હાથ ધરેલી ખાસ ડ્રાઈવમાં એક જ દિવસમાં પ્રોહિબિશનના કુલ 47 કેસો નોંધીને કાયદાનો ડંડો ઉગામ્યો છે.


વડોદરા શહેરમાં નશામુક્ત બરોડા અભિયાન હેઠળ ગુનાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસ દ્વારા ગુરુવારના રોજ એક જ દિવસમાં પ્રોહિબિશનના 47 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની આ કાર્યવાહીમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેશી અને વિદેશી બંને પ્રકારના દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ 23 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 4,600) જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) પર પણ તવાઈ બોલાવતા 128 ક્વાર્ટર અને 5 બોટલો મળી કુલ 18,210 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ભલે મુદ્દામાલની રકમ નાની હોય, પરંતુ પોલીસની સતર્કતાને કારણે શહેરના ખૂણેખૂણેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવામાં મદદ મળી છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ડ્રાઈવમાં માત્ર દારૂ વેચનારા જ નહીં, પરંતુ દારૂનું સેવન કરનારાઓ પણ પોલીસની રડારમાં આવ્યા હતા. પોલીસે કરેલી કુલ 43 આરોપીઓની ધરપકડમાં 38 ઈસમો તો માત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આમ, ખુલ્લેઆમ દારૂ પીને ફરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક જ દિવસમાં 47 કેસ અને 43 ધરપકડના આંકડા દર્શાવે છે કે વડોદરા પોલીસ પ્રોહિબિશનના કાયદાનું પાલન કરાવવા માટે કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેવાના સંકેત છે.

આ પણ વાંચો - Bhavnagar News: જાગૃત દીકરી સ્વસ્થ સમાજ, રોટરી ક્લબ વાયબ્રન્ટ દ્વારા PCOD પર માર્ગદર્શન સેમિનાર યોજાયો

  • Follow us on: