વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક દુષ્કર્મ પીડિતાની સારવાર ચાલી રહી હતી, જેનું આજે સવારે મોત નીપજ્યું છે. જે કારણે પરિવાર અને પંથકમાં શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામમાં એક યુવક દ્વારા દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. જે બાદ આ બાળકીનું વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
સારવાર અર્થે રાજપીપળા હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા એક ગામમાં એક 10 વર્ષીય બાળકીને એક યુવક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપી દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ બાળકીએ તેની કાકીને કરી હતી. જે બાદ તેને સારવાર અર્થે રાજપીપળા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને યોગ્ય સારવાર ન મળતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
'પોલીસે અમને સહકાર ન આપ્યો'
પીડિતાના પરિવારનો આક્ષેપ છે કે, તેમની બાળકીને સમયસર સારવાર મળી નથી, જે કારણે તેનું મોત થયું છે. પરિવારના જણાવ્યા અનુસાર તેઓ 12 દિવસ સુધી બાળકીની સારવાર માટે રઝડતા રહ્યા હતા. આ સમયે પોલીસે અમને સહકાર આપ્યો ન હતો. જો પોલીસે સાથ આપ્યો હોત તો આમારી દીકરી જીવતી હોત. દીકરીના મોત માટે જેટલો આરોપી જવાબદાર છે, એટલા જ જવાબદાર અન્ય લોકો પણ છે.
ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય - પોલીસ જમાદાર
પરવારના જણાવ્યા અનુસાર, નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું કે, ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય. દીકરી તો સહી સલામત છે, તેને કશું થયુ નથી. બાળકીના પરિવારે જણાવ્યું હતું કે, રાજપીપળાની હોસ્પિટલમાં 5 દિવસ બાદ દીકરીને સારવાર મળી હતી. જોકે, ત્યાં પણ સારવાર યોગ્ય રીતે થઈ રહી ન હતી. જેથી બાળકીને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી ભલે એક હોય પણ ગુનેગારો ઘણા છે. આ સાથે પરિવારે આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો