વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે અને ખોડિયારનગર વિસ્તારમાં રખડતા ઢોરે બે વ્યક્તિઓને લીધા અડફેટે અને પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતા ઢોરે મચાવ્યું તોફાન, વિફરેલી ગાયે શિંગડુ માર્યુ હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા.
પ્રસાદ આપવા જતા હતા તે દરમિયાન બની ઘટના
શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે રવિવારે બપોરે ગાય અચાનક વીફરતા ટુ વ્હીલર સવાર પ્રૌઢ અને યુવાનને ગાથે શીંગડુ માર્યુ હતુ. પ્રૌઢને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે યુવાનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. શહેરનજીક માણેજાના ગાયત્રીનગરમાં રહેતા વિનુભાઈ પીતાંબરભાઈ ડાભી (ઉ.વ.૫૮) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ તરીકેનું કામ કરે છે. તેઓ તાજેતરમાંજ અયોધ્યા મથુરા સહિતના યાત્રા સ્થળોએ દર્શન માટે ગયા હતા.
ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો
યાત્રાએથી પરત આવીને રવિવારે વિનુભાઈ બપોરે ખોડીયારનગર પાસે રહેતા તેમના સબંધીને પ્રસાદ આપવા માટે આવતા હતા. ત્યારે ખોડીયારનગર ચાર રસ્તા પાસે પંચમ ઇલાઈટ ફલેટ પાસે તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. આથી તેમને ટુ વ્હીલર ઉભુ રાખીને ફોન રીસીવ કરીને વાત કરતા હતા. દરમિયાનમાં આજ સમયે નજીકમાં એક ગાય અચાનક વિફરી હતી. તેને દોટ મુકતા વચ્ચે આવનાર રહીશોને અડફેટમાં લીધા હતા. જેમાં વિનુભાઈ ડાભીને શીંગડુ મારતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને ૧૦૮ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક યુવાનને પણ શીંગડુ મારતા તેને ઈજા પહોંચી હતી. આ યુવાન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હોવાનુ જાણવા મળે છે.
વડોદરાના સ્થાનિકોએ કહ્યું, રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે
આ બનાવના પગલે ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળામાં રખડતા પશુઓ સામે મ્યુ કોર્પોરેશન દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાથી અવારનવાર શહેરીજનો તેઓના ભોગ બનતા હોય છે. અત્રે ઉલ્લેખનીયછેકે ન્યુ સમારોડ પરની મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદિપ સત્યેન્દ્રસિંહ (ઉ.વ.૩૭)ગત મહિને મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે રસ્તા પર બેઠેલી ગાય સાથે ભટકાયા હતા.જેમાં તેઓનું મોત નિપજયુ હતુ.આ રખડતા ઢોરના માલિક સામે હજી સુધી કોઈ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી. જેના પગલે લોકોમાં રોષ ની લાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ગિફ્ટ સ્કીમના અભાવે શોપિંગ ફેસ્ટિવલ ફિયાસ્કો થવાની ભીતિ, વેપારી મહાસંઘે મુખ્યમંત્રી અને રાજ્ય વેરા કમિશનરને લખ્યો પત્ર