ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશાના કારોબાર અને ડ્રગ્સના બંધાણીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર મુદ્દે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ વડોદરાની એસ.એસ.જી (SSG) હોસ્પિટલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગ્સના દૂષણ માટે બહારથી આવતા વિદ્યાર્થીઓ મુખ્યત્વે જવાબદાર છે.
યુનિવર્સિટીઓ અને ડ્રગ્સનું નેટવર્ક
'નશા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ આયોજિત અવેરનેસ કાર્યક્રમમાં બોલતા શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના બંધાણીઓનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને યુનિવર્સિટી કેમ્પસમાં નશાની બદી વ્યાપક બની છે. તેમના મતે, અન્ય રાજ્યો કે શહેરોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પોતાની સાથે આવા દુષણો લઈને આવે છે, જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ પણ નશાના રવાડે ચઢે છે.













