વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મચ્છીપીઠ ચાર રસ્તા પાસે એક નર્સિંગ વિદ્યાર્થીની સાથે મોબાઈલ છીનવવાનો તથા તેને બળજબરીથી ઉપાડી જવાની કોશિશ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદ બાદ કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય યુવત સહિતના શખ્સોની શોધખોળ આદરી હતી.


 પાંચ વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી બહાર નીકળી રહી હતી, તે સમયે આ ઘટના બની

વાઘોડીયા તાલુકાના માડોધર રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય વિદ્યાર્થીની નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. 1 ડિસેમ્બરના રોજ તે સવારમાં અભ્યાસ માટે નર્સિંગ સ્કૂલ પહોંચી હતી અને સાંજના પાંચ વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી બહાર નીકળી રહી હતી, તે સમયે આ ઘટના બની.

મોઢા પર દુપટ્ટો બાંધી છોકરી આવી અને મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ

ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની સ્કૂલના ગેટની સામે ચાલતી હતી ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધેલી એક યુવતી તેની પાસે આવી અને તેના હાથમાં રહેલો મોબાઈલ ઝાટકવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીનીએ ફોન મજબૂતીથી પકડી રાખતાં યુવતી સાથે ઝપાઝપી થઇ હતી

યુવક દોડી આવ્યો, ઉપાડી જવાની ધમકી આપી

ઝપાઝપી ચાલતી હતી તે દરમ્યાન એક યુવક દોડી આવ્યો અને તેણે પણ વિદ્યાર્થીનીનો હાથ પકડી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરતા સાથે “અહીંથી તને ઉપાડી જઈશું” એવી ધમકી આપી હતી. આ યુવકે તેને સ્કૂલના દરવાજા તરફ ખેંચવા પણ પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થીનીએ સ્કૂલનો ગેટ પકડી બૂમાબૂમ કરી

પરંતુ વિદ્યાર્થીનીએ સ્કૂલનો ગેટ પકડી બૂમાબૂમ કરી દેતા બંને હુમલાખોરો મોપેડ પર નાગરવાડા ચાર રસ્તા તરફ ભાગી ગયા.

પોલીસે ગુનો નોંધ્યો

વિદ્યાર્થીનીએ તરત જ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા યુવક અને યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને CCTV ફૂટેજ સહિતનું ટેક્નિકલ સર્વેલન્સના આધારે જૈમિન સંજય પરમાર (રહે, જીઆઇડીસી વડસર રોડ) તથા જૈમિન મનોજ પરમાર (રહે પીલોલ, સાવલી)ને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય યુવત સહિતના શખ્સોની શોધખોળ આદરી હતી.

આ પણ વાંચો---  Vadodara : શહેરના ટ્રાફિક જંકશનો પર વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિકના ફ્લો અંગેનો ડ્રોનથી સર્વે શરુ કરાયો

  • Follow us on: