ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદારોને રિઝવવા માટે થતી દારૂની હેરાફેરી પર પોલીસની કડક નજર છે. વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં આવતા ભાયલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે એક ખેતરમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ થતું રંગેહાથ ઝડપી પાડ્યું છે.


ખેતરમાં ચાલતું હતું 'કટિંગ'

SMC ની ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે બુટલેગરો ખેતરની ઓથમાં વિદેશી દારૂની પેટીઓ સગેવગે કરી રહ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુખ્યાત બુટલેગર ગોરધન ઠાકોર અને સંજય પઢિયારની સ્થળ પરથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર રેકેટમાં રાજસ્થાનથી દારૂ મોકલનાર મોહનસિંહ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

રૂપિયા 28 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અસંખ્ય પેટીઓ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂંટણી પૂર્વે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં SMC ના આ સપાટાથી સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો કયા વિસ્તારમાં અને કોના માટે સપ્લાય કરવાનો હતો.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: