વડોદરા શહેરમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસની માંગમાં અચાનક વધારો થતાં લારી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ પુરવઠામાં ઉભી થયેલી અછતને કારણે ઘણા લારીધારકોને પોતાના ધંધા પર અસર જોવા મળી રહી છે.


લારીધારકોને ગેસના વિકલ્પ તરીકે ચૂલા વસાવ્યા

મળતી માહિતી મુજબ શહેરમાં ગેસ સિલિન્ડરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ખાવા-પીવાની લારીઓ ચલાવતા સંચાલકોને કોમર્શિયલ ગેસ મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે કેટલાક લારીધારકોને ગેસના વિકલ્પ તરીકે ચૂલા ઉપયોગમાં લેવા પડી રહ્યા છે.

 15 થી 20 લારીઓ બંધ થવાની સ્થિતિમાં

પરંતુ ચૂલામાં રસોઈ બનાવવામાં વધુ સમય લાગતા ગ્રાહકોને સેવા આપવામાં વિલંબ થાય છે અને તેના કારણે ધંધા પર સીધી અસર પડી રહી છે. પરિસ્થિતિ એવી બની છે કે અત્યાર સુધીમાં આશરે 15 થી 20 લારીઓ બંધ થવાની સ્થિતિમાં આવી ગઈ છે.

શ્રમજીવી પરિવારોની રોજી-રોટી પર પણ અસર

લારીઓ બંધ થતા અનેક શ્રમજીવી પરિવારોની રોજી-રોટી પર પણ અસર પડી રહી છે. ઘણા લારી સંચાલકોનું કહેવું છે કે તેમની પાસે હાલ માત્ર એકથી બે દિવસ ચાલે એટલો જ ગેસ બાકી રહ્યો છે. જો સમયસર ગેસનો પુરવઠો નહીં મળે તો વધુ લારીઓ બંધ કરવાની ફરજ પડી શકે છે.

કોમર્શિયલ ગેસનો પુરવઠો નિયમિત કરવામાં આવે

લારી સંચાલકોએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને માંગ કરી છે કે શહેરમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો નિયમિત કરવામાં આવે જેથી નાના વેપારીઓને મુશ્કેલી ન પડે. 


આ પણ વાંચો----    Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી


  • Follow us on: