વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં વાહન ચોર ટોળકી બેફામ બનતી જતાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સોસાયટીમાંથી કુલ 9 વાહનોની ચોરીના બનાવો સામે આવ્યા છે. શિવમ બંગલો, વ્રજ વિહાર અને સમર્થ સોસાયટી તેમજ કેસર બંગલોમાં બનેલી આ ચોરીની ઘટનાઓથી રહીશોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.


ચોર ટોળકીની સક્રિયતા

કપુરાઈ વિસ્તારમાં આવેલી કેસર બંગલોમાં ત્રણ દિવસ અગાઉ ચાર બાઈકની ચોરી થઈ હતી. ત્યારબાદ બે દિવસ પહેલાં શિવમ બંગલોમાંથી એક, વ્રજ વિહાર સોસાયટીમાંથી એક અને સમર્થ સોસાયટીમાંથી ત્રણ બાઈકની ચોરી થતા ચોર ટોળકીની સક્રિયતા સ્પષ્ટ થઈ છે.

સીસીટીવી કેમેરામાં ચોર ટોળકીની હરકતો કેદ

સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોર ટોળકીની હરકતો કેદ થઈ છે. ફૂટેજમાં દેખાય છે કે તસ્કરો રાત્રિના સમયે ટેમ્પો લઈને સોસાયટી નજીક પહોંચે છે, ટેમ્પો બહાર થોડે દૂર રાખી સોસાયટીમાં પ્રવેશ કરે છે અને લોક તોડી કે લોક તોડ્યા વિના વાહનોને ખેંચીને બહાર લઈ જઈ ટેમ્પોમાં ચડાવી દે છે. કેટલાક બનાવોમાં બે થી ત્રણ તસ્કરો મળીને વાહન ઉઠાવીને લઈ જતા હોવાની પણ વિગતો સામે આવી છે.

વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનો ચોરી થવાના બનાવો વધ્યા

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે વડોદરા શહેરમાં દર અઠવાડિયે સરેરાશ 15 જેટલી વાહન ચોરીની ફરિયાદો થતી રહે છે, પરંતુ કેટલીક ફરિયાદો માત્ર અરજી સુધી જ સીમિત રહેતી હોવાની ચર્ચા છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન, એસ.ટી. ડેપો, સયાજીબાગ તેમજ વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનો ચોરી થવાના બનાવો વધ્યા છે.

કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

કપુરાઈની ત્રણ સોસાયટીના રહીશોએ આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: