વડોદરામાં ટ્રાન્સપોર્ટર પાસે ખંડણી માંગવાના બનાવમાં હરણી પોલીસે બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી અને દર મહિને 50 હજાર રૂપિયા આપવાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ટ્રાન્સપોર્ટર ચેનત હંસરાજભાઇ પ્રજાપતિએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
ખોડિયાર નગર વિસ્તારમાં શરણમ હેપ્પી હોમ્સમાં રહેતા ટ્રાન્સપોર્ટર ચેનત હંસરાજભાઇ પ્રજાપતિએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત 15મી ડિસેમ્બરે અમિતનગર પાસે આવેલા કૃષ્ણાવેલી કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસે ગયા હતા અને સાંજે સાડા આઠ વાગ્યે ઘરે પરત ફર્યા હતા.
2 શખ્સ બોલાચાલી કરી તોડફોડ કરીને ગયા
રાત્રે લગભગ 11 વાગ્યે ઓફિસમાં કામ કરતા રાજુભાઇ ખરાદીએ ફોન કરીને જાણ કરી હતી કે, અશ્વિનભાઇ નટવરલાલ ઠક્કર (રહે. કૃષ્ણાવેલી કોમ્પલેક્સ) અને મહેન્દ્રસિંગ પ્રહલ્લાદસિંગ રાઠોડ (રહે. ઉર્મિ સ્કૂલ સામે, સમા) ઓફિસ પર આવી બોલાચાલી કરી તોડફોડ કરીને ગયા છે. ફરિયાદી તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા.
જો અહીં ધંધો કરવો હોય તો દર મહિને રૂ. 50 હજાર આપવા પડશે
આ બાદ રાત્રે લગભગ એક વાગ્યે બંને આરોપીઓ ફરીથી ઓફિસે આવ્યા હતા અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે, જો અહીં ધંધો કરવો હોય તો દર મહિને રૂ. 50 હજાર આપવા પડશે, નહીં તો દુકાન બંધ કરાવી દેવામાં આવશે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
હરણી પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે તોડફોડ, મારામારી, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના ગુનાઓ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ