વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારના 20 વર્ષીય સાકીબ ગુલામમયુદ્દીન મંસુરી સાથે અઝરબૈજાનના બાકુ પ્રવાસનું વચન આપીને 2.43 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સાકીબે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા ટુર ઓપરેટર અજયકુમાર નટવરલાલ શર્મા અને તેના સાથી સમીર મુની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.


અજયકુમાર વિદેશ પ્રવાસનું કામ કરે છે

ફરિયાદ મુજબ સાકીબ મંસુરીએ બાકુ પ્રવાસ માટે નવાબ ટુર્સના માલિક હાસ્મીન નવાબનો સંપર્ક કર્યો હતો. હાસ્મીને સાકીબનો પરિચય સમીર મુની સાથે કરાવ્યો, જેણે પછી અજયકુમાર શર્મા સાથે સંપર્ક કરાવ્યો. અજયકુમાર વિદેશ પ્રવાસનું કામ કરે છે એવી માહિતીને આધારે સાકીબે આગળની પ્રક્રિયા શરૂ કરી હતી.

પ્રવાસનો કુલ ખર્ચ 2.50 લાખ, તરત પૈસા માંગ્યા

અલમાસ અપાર્ટમેન્ટમાં આવેલી નવાબ ટુર્સની ઓફિસમાં મુલાકાત બાદ અજયકુમાર અને સમીરે પ્રવાસનો કુલ ખર્ચ 2.50 લાખ બતાવ્યો. ત્યારબાદ સાકીબને કમલા નગરના દિવ્યા પ્લાઝામાં આવેલી અજયકુમારની ઓફિસમાં બોલાવવામાં આવ્યા અને કહેવાયું કે જેટલા જલ્દી પૈસા આપશો, તેટલા જલ્દી વિઝા અને ટિકિટ થઈ જશે. સાકીબે વિશ્વાસમાં આવી ઓનલાઇન કુલ ₹2.43 લાખ ચૂકવી દીધા.

દિલ્હી બોલાવી ટિકિટ મોકલવાનું કહ્યું, પણ ટિકિટ મળી નહીં

અજયકુમારે સાકીબને સામાન લઈને દિલ્હી જવા કહ્યું અને ટિકિટ ત્યાં મોકલી આપવાની ખાતરી આપી. સાકીબ 9 માર્ચ 2025ના રોજ દિલ્હી ગયા અને ત્રણ દિવસ સુધી રોકાયા, પરંતુ કોઈ ટિકિટ મળી નહીં. પછી 5 એપ્રિલ 2025ના રોજ ટિકિટ મોકલવામાં આવી, પરંતુ બેગેજ લિમિટ 15 કિલો હતી, જ્યારે સમજૂતી મુજબ 25 કિલો હોવી જોઈએ. જેથી ટિકિટ કેન્સલ કરાવવામાં આવી.

વારંવાર ટિકિટ મોકલી–કેન્સલ કરી, પૈસા પરત ન આપ્યા

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ વારંવાર ટિકિટ મોકલી, પછી કેન્સલ કરી અને વિવિધ કારણો આપી સમય પસાર કર્યો. સાકીબે પૈસા પરત માંગ્યા હોવા છતાં આજ સુધી કોઈ રકમ પરત કરવામાં આવી નથી.

બાપોદ પોલીસ દ્વારા તપાસ શરૂ

સાકીબની ફરિયાદને આધારે બાપોદ પોલીસે અજયકુમાર શર્મા અને સમીર મુની સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો --  Vadodara : ઑનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચ આપી સાયબર માફિયાઓએ યુવકને છેતરી 45 હજાર ખંખેર્યા

  • Follow us on: